
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો.ધોરણના 10ના વિદ્યાર્થીઓનું પેપર સવારે 10 વાગ્યે શરૂ થવાનું છે.વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા લાગ્યા છે. 9:15 વાગ્યે વિધાર્થીઓનું ચેકિંગ કરીને તિલક અને મોં ગળ્યું કરી કેન્દ્રમાં પ્રવેશ આપવાનું શરૂ કરાયું. ધોરણ 12નું બપોરે 3 વાગ્યે પેપર શરૂ થવાનું છે. આ વર્ષે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહના મળીને કુલ 14,28,175 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં નિયમિત, રીપીટર, આઇસોલેટેડ,અને ખાનગી રીપીટર વિદ્યાર્થીઓ છે.
વડોદરા શહેર જિલ્લામાં ધો.૧૦ ના ૧૫૩ કેન્દ્રો પરના ૧૫૨૨ બ્લોકમાં ૪૩૮૭૩ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. ધો.૧૨ના સામાન્ય પ્રવાહમાં ૧૮૧૨૮ વિદ્યાર્થીઓ ૬૨ પરીક્ષા કેન્દ્રો પર અને વિજ્ઞાાન પ્રવાહના ૩૭ પરીક્ષા કેન્દ્રો પર ૬૫૦૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.બોર્ડ પરીક્ષા આપનારાઓમાં સેન્ટ્રલ જેલના ૧૦ કેદીઓનો પણ સમાવેશ થાય છે. સવારની પાળીમાં ધો.૧૦ના વિદ્યાર્થીઓ ગુજરાતી સહિતની પ્રથમ ભાષાઓની, બપોરની પાળીમાં ધો.૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ ઈકોનોમિક્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ ફિઝિક્સની પરીક્ષા પણ આપશે.